પૃષ્ઠો

મારી બ્લૉગ સૂચિ

રવિવાર, 4 એપ્રિલ, 2010

ત્રણ થાંભલા - પલ્લવ અંજારીઆ

ત્રણ થાંભલા, એક-બીજાના ટેકે ઉભા છે. ગલીના નાકે, રીક્ષા સ્ટેન્ડ પાસે, પે..લાં ખીજડાનાં જાડ પાસે, હા એજ અડધા કટાયલા, એજ કે જેના વાયર પેલી પાનની કેબીન પરથી પસાર થાય છે, અરે પેલો કાળીયો કૂતરો જ્યાં અડીંગો જમાવી બેઠો નથી હોતો?ઓહો કાળીયો કૂતરો લાલજીભાઈનો. કોણ લાલજીભાઈ? લાલજીભાઈ એટલે ઓલા તરભૂવનના બાપા. તરભૂવન એટલે, હા એજ વળી જેના દાંત બહાર છે, હા બરાબર એજ ચટ્ટા-પટ્ટા વાળો લેંઘો પહેરીને રખડ્યા કરતો હોય છે. બસ બપોર પડે ઍટલે ઓલા દામોદરકાકાની કરીયાણાની દૂકાને બેસી જસે. દામોદરકાકા એટલે અમારા વિસ્તારના જાણીતા માણસ. આખા શીવનગરમાં બધા એમને ઓળખે અને એ પણ બધાને ઓળખે. દામોદરકાકાદૂકાનથી પણ પેલા ત્રણ થાંભલા દેખાય. દામોદરકાકાનાં ધર્મપત્ની એટલે જમનાકાકી. એમની અડફેટે ચઢે એ પાણી પણ ન માંગે. ભલભલા એમનાથી ગભરાય માટેજ એમના સામેના ઘરમાં રહેતા લક્ષ્મીચંદ સાથે એમને કાયમી અણબનાવ. લક્ષ્મીચંદ અમારા વિસ્તારના એમ.એલ.એ. છે. લક્ષ્મીચંદને કારણેજ તો શીવનગરમાં વિજળી-પાણીની સમસ્યાનો હલ આવેલ. હા, પણ લોકો કહે છે કે પ્રોજેક્ટતો આખાં ગામ માટે હતો પરંતુ શીવનગર જેટ્લું કામ થયું અને બાકીના રૂપીયા.....હા તો એ લક્ષ્મીચંદના વરદ હસ્તે ૧૯૯૯ માં આ ત્રણ થાંભલા પર અમારા વિસ્તારની કાયમી માંગ સમી ટપાલપેટીનું વિધીવત સ્થાપન થયું હતું. ત્રણ થાંભલાના શીરપર જાણે કોઈએ કુમકુમ તિલક કર્યું હોય એવા શોભી ઉઠેલા. શીવનગરમાં ઉત્સવનો માહોલ હતો.શીવનગરના પ્રમુખ દીનમણીશંકરે આખું શીવનગર રંગબૅરંગી પતાકાથી સજાવ્યું હતું. એ ત્રણ થાંભલા જાણે અમારા વિસ્તારની આન-બાન-શાન બની ગયા હતા. બસ એજ દિવસે લક્ષ્મીચંદના છેલબટાઉ છોકરા સુશીલે દારુ પીને આખું શીવનગર માથે ઉપાડ્યું હતું..એણે દીનમણીશંકરની પુત્રી, અઢાર વર્ષની નાજુક-નમણી, રૂપરૂપનીઅંબાર સમી કંચનનો હાથ પકડી લીધો હતો. હું જાણું છું કે મેં ઓળખાણ કરાવી એમાં કોઇ કરતાં કોઇને તમે નહિં ઓળખતા હો, પણ કંચનને....કંચનને ના ઓળખે એ આંધળો હોય અથવા ગાંડો હોય. રંભા, ઉર્વશીને ઈર્શ્યા આવે એવું રૂપ, લાંબા વાળની લટો એના રૂપાળા ગાલોનાં ખંજનો પર વલયાકાર રીતે કોઇ લતાવેલી એના શ્રુંગારમાં અભિવ્રુદ્ધી કરતી હોય. એના નકશીદાર નાક-નકશો અને અધરો જાણે વિશ્વની અપ્રતીમ સુંદર કલાકૄતી. એની પાતળી નાજુક કેડ પર વળ ખાતો લાંબો ચોટલો જાણે....પૂંછડી હલાવતી રમામાસીની ગાય બસ એ ત્રણ થાંભલેજ ઊભે, ખીજડાનાં છાંયડે.. સુશીલમાં નામને બાદ કરતાં કોઇજ પ્રકારની સુશીલતા નહોતી. એક નંબરનો મવાલી. એ જ્યારે ગાળો ન બોલતો હોય ત્યારે એનું મ્હોઢું સુંઘવું પડે કે નક્કી દારુ ઢીચ્યો હશે. દરેક ખોટાં કામોમાં અવ્વલ. કોલેજમાં નેતા તરીકે ચૂંટાયેલો અલબત્ત લક્ષ્મીચંદના જોરે. લક્ષ્મીચંદના જોરે એનો ગામ આખાની પોલીસ વાળ પણ વાંકો ન કરી શકતી. ત્યાં સુધી કે જ્યારે એણે અલખને મારીમારી અધ‌મુઓ કરી નાખેલ. બીચ્ચારા અલખનો કેસ પોલીસ હાથપર લેવા તૈયાર નહોતી.અલખ અમારા વિસ્તારનો સૌથી શ્રેષ્ઠ છોકરો, સદગુણોનો ભંડાર, ભણવામાં એક્કો, વડીલોને મદદ કરે, અરે વડીલજ નહીં દરેકને મદદ કરે. હનુમાનજીનો ભગત અને છતાં યૌવનના થનગનતા પ્રવેશે એને પ્રેમમાં પાડ્યો. હા, કદાચ તમે સમજીજ ગયા હશો કે કોના પ્રેમમાં. એમાં એ બચાડા ભોળીયાનો કોઈ વાંક નહીં. એક દિવસ સુશીલની છેડ્તીથી કંચનને બચાવવા એ વચ્ચે પડ્યો. બસ એનો બદલો સુશીલે એને બેરહેમીથી મારી-મારીને વાળ્યો. સુશીલે એ ત્રણ થાંભલામાં એનું માથું ટીપિ-ટીપિને થાંભલાનો રંગ લાલ કરી મુકેલો. અલખ મૄત્યુ પામ્યો. ગરીબ લાચાર બાપનો એકનો એક પુત્ર ના રહ્યો. બીજા દિવસે સવારે એજ ત્રણ થાંભલા પર ગાળીયો બાંધેલી હાલતમાં અલખના પિતાની લાશ જોઈ આખું શીવનગર દિગ્મુઢ બની ગયું. તેમ છતાં લક્ષ્મીચંદના કુપૂત્રને કોઈ સજા ન થઈ અને શીવનગરમાં એનો ખોફ વધી ગયો.
અને એક દિવસ કંચન સુશીલ સાથે ઘર છોડીને નાસી ગઈ. એજ ત્રણ થાંભલા પર ટીંગાતી ટપાલપેટીથીજ પોતાના ઘરે ચિટ્ઠી મોકલેલી. ત્યારથી દીનમણીશંકરે એ ત્રણ થાંભલાના રસ્તે જવાનું બંધ કરી દિધું. આમ પણ અલખના બાપુજીની ઘટના બાદ મહિલાઓ અને બાળકો તે રસ્તે ના જતા. લોકો કહેતા કે ખીજડાના વૄક્ષપર એનું ભૂત ફરે છે. નગરપાલીકાની નોટીસ મળતાં પેલી પાનની કેબીન પણ હટાવી લેવામાં આવી. લોકોની અવર-જવર ઓછી થવાથી રીક્ષા સ્ટેન્ડ પણ ત્યાંથી હટી ગયું. અરે પેલો કાળીયો કૂતરો સુદ્ધાં હવે ત્યાં ન બેસતો કેમકે બાજુના વિસ્તારના એક માથાંભારે કૂતરાએ એને દબડાવીને ત્યાંથી ભગાવી મુક્યો. હવે ત્રણ થાંભલા લગભગ એકલા છે તેમછતાં પણ ત્રણેય આવા સંજોગોમાં એક-મેકનો ટેકો મુકી ભાગી નથી ગયા. અટઅટલું થાવા છતાં એમની અંદર એટલીજ એકતા છે. ત્રણેયનો સંપ અકબંધ છે. પણ ગામને હવે આન-બાન-શાનને બદલે કાળના ચિન્હ લાગે છે. હવેતો ઈ-મેલ અને એસ.એમ.એસ. નું ચલણ વધ્યું છે એટલે પેલી ટપાલપેટી સામું પણ કોઈ જોતું નથી. દીનમણીશંકરે પ્રમુખપદ ત્યાગી દિધું. દામોદરકાકા ધંધો મંદો હોવાથી દૂકાન સંકેલી પોતાના મૂળ વતન માંગરોળ જતા રહ્યા છે અને લાલજીભાઈના અવસાન પછી તરભૂવનનો કોઈ આશરો નથી. હવે એ બચાડો ગાંડો, બિસ્માર હાલતમાં એ ત્રણ થાંભલા નીચે બેઠો હોય છે. ક્યારેક શીવનગરના રહેવાસી વધ્યુંઘટ્યું ખાવાનું એને નાખીજાય છે.

શીવનગર પાસે ફોરલેન રસ્તો બને છે, ડિવાઈડર વાળો. ડિવાઈડરના રસ્તામાં ત્રણ થાંભલા પડે છે, માટે સરકારે એને હટાવી નાખવાનો નિર્ણય કર્યો છે. પહેલાં એનાનટ્બોલ્ટ છુટ્ટા કરી એને લઈ જવાના હતા. પરંતુ એના નટ એવા જામી અને મરડાઈ ગયા હતા કે ટસ ના મસ ન થયા. અંતે આ ત્રણ થાંભલાના સંપ સામે સરકારે ક્રુર પગલું ભર્યું. બુલડોઝર વડે એને જડમૂળથી ઉખાડી નાખ્યા.પેલો લાલજીભાઈનો ગાંડો પુત્ર તરભૂવન આ થાંભલાને બાથ ભરીને લટકી પડ્યો, રડવા-કરગરવા લાગ્યો ''એને ના લઈ જાઓ...એને ના લઈ જાઓ...". આ ત્રણ થાંભલા સીવાય ત્રણેય ભૂવનોમાં તરભૂવનનું કોણ બાકી હતું બીજું? પણ એને બળજબરીથી છુટ્ટો પાડ્વામા આવ્યો.ચાર જણાએ એને પકડી રાખ્યો. એ જાલ્યો જલાતો નહોતો. ત્રણ થાંભલાને ઉખેડી નખાયા. ટપાલપેટી હજી એમ ની એમ લટકતી હતી.

પરંતુ કંચને આવું કેમ કર્યું? દીનમણીશંકર સાથે, અલખ સાથે, અલખના પિતા સાથે, એની આડઅસર રૂપે દામોદરકાકા સાથે અને એમનાં ધર્મપત્ની જમનાકાકી, જેણે દીનમણીશંકરના પક્ષે લક્ષ્મીચંદ સાથે યુદ્ધ કર્યું અને જનમ-જનમનું વેર બાંધ્યું અને બન્ને કાકા-કાકીએ શીવનગર જ નહીં પણ આખું ગામ છોડી માંગરોળ ભેગા થવું પડ્યું. 'ધંધો મંદો છે' એતો બહાનું હતું. એમની દૂકાનના અભાવે જથ્થાબંધના વેપારી એવા લાલજીભાઈને ધ્રાસ્કો પડ્યો અને વિદાય લઈ ગયા. એટલેજ પ્રશ્ન થાય કે કંચને આવું કેમ કર્યું? દીનમણીશંકર સાથે, અલખ અને એના પિતા સાથે, દામોદરકાકા અને એમનાં ધર્મપત્ની જમનાકાકી સાથે, લાલજીભાઈ સાથે, તરભૂવન સાથે...અને બીચારા મુંગા ત્રણ થાંભલા સાથે.

2 ટિપ્પણીઓ: